Junagadh Gir Somnath : જુનાગઢ, ગીર સોમનાથની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત ગુજરાતના નકશા પર કંડારેલી કુદરતની અપ્રતિમ પ્રતિકૃતિ
Gir Somnath : ગીર સોમનાથની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત ગુજરાત રાજ્યમાં અનોખી છે. દેશમાં જ્યારે 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગીર સોમનાથના ધાર્મિક, પ્રાક્રૃતિક અને સાંસ્કૃતિક વારસા પર એક નજર નાંખીએ. ગીર સોમનાથ સમગ્ર વિશ્વમાં એશિયાટીક સિંહોના એક માત્ર વસવાટ તરીકે પ્રખ્યાત છે. ગીર સોમનાથ એ ગિરનાર પર્વતની તળેટીમાં વસેલો પ્રદેશ છે. જુનાગઢ શહેરથી પાંચ કિં.મી. ઉત્તરે આવેલ ગિરનાર પર્વત એ પર્વતોનો એક સમુહ છે, જે પ્રાકૃતિક સંપદાથી ભરપુર હરીયાળી ધરાવતા પાંચ મુખ્ય ઉંચા શિખરો ધરાવે છે. જેમાંના માળીપરબ 1800, ગૌમુખી શિખર 3120, અંબાજી 3300, જૈન મંદિર શિખર 3300 અને સૈથી ઉંચુ ગોરખ શિખર 3600 ફુટની ઉંચાઈ ધરાવે છે. આ પર્વત પર બનાવેલા રસ્તા અને દાદરા એક શિખર પરથી બીજા શિખર પર લઈ જાય છે.
એવી લોકવાયકા છે કે આ દાદરાઓમાં કુલ 9,999 પગથીયા છે. પરંતુ ખરેખર આ પગથીયાઓની સંખ્યા 11,000 જેટલી છે. આ ગિરનાર પર્વત પર આશરે 866 જેટલા વિવિધ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. પારંપરિક રીતે દરેક વર્ષે ગિરનાર પર્વતની પરિક્રમા થતી હોય છે. જેમાં લાખો લોકો ભક્તિભાવ સાથે જોડાય છે. વળી ગીરનાર પર્વત પર આવેલા ધાર્મિક સ્થળો અંગે હિન્દુ ધર્મામાં એવી પણ માન્યતા છે કે ઉધાડા પગે ગીરનાર પર્વત ચઢી પર્વત પર બિરાજમાન દેવી-દેવતાઓના દર્શન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગીરનાર ગુજરાતના પ્રમુખ ધારમિક સ્થળોમાંનું એક છે અને અહીં હિન્દુ, જૈન તથા મુસ્લિમ ધર્મના સ્થાનકો આવેલા છે.
Junagadh Gir Somnath : ગીરનારનો ઈતિહાસ
ગુજરાતનું હાલનું સૌરાષ્ટ્ર પોતાનામાં મૌર્ય, ગ્રીક, ક્ષત્રપ સહિત ગુપ્ત વંશનો ઈતિહાસ સમેટીને બેઠુ છે. મગધ સામ્રાજ્યનાં નંદ વંશને પરાસ્ત કરી ગણ રાજ્યોને સમાપ્ત કર્યા બાદ ભારતવર્ષને એક સુત્રમાં સાધનાર મહાન ચક્રવર્તી સમ્રાટ ચંદ્ગગુપ્ત મોર્યે ઈ.સ. 322 પૂર્વ સૌરાષ્ટ્ર પર વિજય મેળવ્યા બાદ જે તે સમયના સૌરાષ્ટ્રની રાજધાની ગિરનગર(જુનાગઢ)માં પોતાના સુબા તરીકે પુષ્યગુપ્તને સ્થાપિત કર્યો હતો. જેણે સુવર્ણસિક્તા નામની નદી ઉપર સુદર્શન નામે સરોવરનું નિર્માણ કર્યુ હતુ.
બાદમાં ચક્રવર્તી સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબા દ્વારા અતિવૃષ્ટિને લઈને તુટી ગયેલ સુદર્શન તળાવનું પૂનઃનિર્માણ કરાવવામાં આવ્યુ. મૌર્ય કાળના રાજાઓ દ્વારા ગિરનાર પર્વત પર કોતરાવવામાં આવેલા શિલાલેખોએ ગિરનારને વિશ્વમાં પ્રસિદ્ધી અપાવી. મૌર્ય કાળ દરમ્યાન ગિરનાર પર્વતને રૈવત, ઉજ્જયંત, રૈવતક તરીકે અને જુનાગઢ શહેરને ગિરિનગર, જિર્ણદુર્ગ તરીકે ઓળખવામાં આવતા હતા.
ગિરનારની ઐતિહાસિક ગાથા અને લોકવાયકાઓ
સમયના વહેણ સાથે જુનાગઢ ગીર સોમનાથ Junagadh Gir Somnathની ધીંગી ધરા પર અનેકો અનેક રાજાઓએ રાજ કર્યુ. વર્ષ 1,152ની આસપાસના સમયગાળામાં ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર ચઢવા પગથીયાઓનું નિર્માણ કર્યુ હતુ. આ સાથે ગિરનાર પર્વતની સામે આશરે દશમી કે અગીયારમી સદીથી અડીખમ ઉભેલો ઉપરકોડનો કિલ્લો અનોખું નજરાણું છે. આ કિલ્લા સોરઠની ભૂમિના અનેક સત્તા પલટાઓના સાક્ષી બની રહ્યા છે.
એક એવી પણ લોકવાયકા પ્રચલિત છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ પર હુમલો કરી ત્યાંના રાજા રા-ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઈ જતો હતો ત્યારે રાણકદેવીએ ગીરનારને ઉદ્દેશીને કહ્યુ હતુ કે, “ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ? મરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?” જેનો અર્થ છે કે ‘તારો રાજવી હણાયો હોવા છતાં હજુ તું ઉભો છે…?’, ત્યારબાદ ગિરનાર પડવા માંડતા રાણકદેવીએ તેને રોકવા માટે કહ્યુ હતુ કે, “પડમાં પડમાં મારા આધાર” અને આટલુ શાંભળતા જ ગિરનાર સ્થિર થઈ ગયો હતો. આજે પણ ગિરનારની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઈ ગઈ હોય એવી ભાસે છે.
ભરપુર પ્રાકૃતિક સૌંદર્ય
ભારતવર્ષના ગુજરાત રાજ્યના પશ્ચિમી કિનારે અરબ સાગરના હૃદય સમા ગીર સોમનાથનેસૃષ્ટિના રચયિતા વિશ્વકર્માએ ભારપૂર પ્રાકૃતિક સંપદા પ્રદાન કરી છે. ગીર સોમનાથની આ પ્રકૃતિક સંપદાને હાલના ભારતના પ્રધાનમંત્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી દીર્ધ દ્રષ્ટા નરેન્દ્ર મોદીએ ઝવેરી જેમ હીરાની પરખ કરે તેમ પારખી હતી. એક કુષળ નેતાની પારખુ નજરે તેમાં રહેલા પર્યટન ઉધ્યોગના વિકાસની ક્ષમતાઓને ધ્યાને લઈ વર્ષ 2013માં જુનાગઢમાંથી ગીર સોમનાથ નામના જિલ્લાની રચના કરી.
સાથે સાથે સોમનાથ તીર્થનો કાયાકલ્પ પણ થવા લાગ્યો. દેવોના દેવ મહાદેવ શ્રી સોમનાથના પવિત્ર ચરણોમાં કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના થકી બનાવવામાં આવેલ સમુદ્ર દર્શન પથ આજે સોમનાથના શરણે આવતા યાત્રાળુઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાત સરકારનું પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ રાજ્યના વિવિધ યાત્રાધામોને ઉચ્ચ કોટીની માળખાગત સુવિધાઓ પુરી પાડવા સાથે પ્રવાસન ઉધ્યોગના વિકાસમાં તેજી લાવી રહ્યુ છે. જેના પગલે આજે ગીર સોમનાથમાં ઉત્તમ સુવિધાઓ સાથેના સર્કિટ હાઉસમાં વૈશ્વિક સ્તરની સુવિધાઓ માણી શકાય છે.
શ્રી સોમનાથ મહાદેવ
સમગ્ર ગુજરાત રાજ્યના ધારમિક પ્રવાસનનું કેન્દ્ર અને દેશના કરોડો ભક્તજનોની આસ્થાના પ્રતિક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાત મહાદેવનું મંદિર પણ અહીં જ છે. આ સાથે આ વિસ્તારમાં કુદરતે પ્રાકૃતિક સૌંદર્ય ન્યોછાવર કરવામાં પાછી પાની ન કરતા ગીર સોમનાથનો આ વિસ્તાર ગાઢ જેગલો અને અભ્યારણ્ય ધરાવે છે. સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એશિયાટીક સિંહોની ડણક આ વિસ્તારમાં સતત ગુંજતી રહે છે.
વેરાવળ ધાર્મિક નગર
ગાીર સોમનાથ જિલ્લાનું વડુમથક અને આ જિલ્લાનો સૌથી મોટો તાલુકો વેરાવળ ગુજરાતમાં ધાર્મિક પર્યટન માટે અગ્રીમ પસંદગીના સ્થળોમાં સ્થાન પામે છે. પછી એ પ્રભાસ તીર્થમાં આવેલું પ્રથમ જ્યોતિલંગ મહાદેવ શ્રી સોમનાથનું મંદિર હોય કે પ્રભુ શ્રી કૃષ્ણની અંતિમલીલાનું સ્થળ ભાલકી તીર્થ હોય, કે પછી કૃષ્ણ નિજધામ ગમન ભૂમિ ગૌલોક ઘામ હોય કે દેવંગત આત્માઓના શ્રાદ્ધ કર્મ માટે પ્રખ્યાત ત્રિવેણી સંગમ હોય વેરાવળ સમગ્ર દેશના હિન્દુઓની આસ્થાના પ્રતિક સમુ ધાર્મિક નગર છે.
તલાલાની કેસર – કોડિનારની શેરડી
ગીર સોમનાથની વાત હોય અને ગીરની કેસર કેરીનો ઉલ્લેખ ન હોય તો વાત અધુરી ગણાય. કેસર કેરીના ઉત્પાદન માટે ગીર સોમનાથનો તલાલા તાલુકો આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવે છે. સાથે સાથે પુરજોર વરસાદ અને કુષળ કૃષકો કોડિનાર તાલુકમાં શેરડીના ઉત્પાદનને નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્ય છે. કોડિનાર સમુદ્ગકિનારા પર આવેલો હોઈ ખનિજ પદાર્થો ધરાવતી ભૂમીના કારણે ઉદ્યોગો અને રોજગારીનું કેન્દ્ર બનવા તરફ તિવ્ર ગતિથી ડગલા માંડી રહ્યો છે.
પ્રાચી તીર્થ – માધવરાચજી – કૃષ્ણ તીર્થ
ઉપારાંત સુત્રાપાડા તાલુકાની પાવન ભૂમી પિતૃતર્પણ માટે પ્રાચી તીર્થ કરીકે વિશેષ પ્રસિદ્ધી ધરાવે છે. વળી આ વિસ્તારમાંથી વહેતી સરસ્વતી નદી કિનારે માધવરાય ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. તુલસી શ્યામમાં બીરાજેલા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તો આશરે 3000 વર્ષ જુની હોવાની માન્યતા છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
પ્રાકૃતિક, ભોગોલિક, ધાર્મિક અને ઓદ્યોગિક સમૃદ્ધીને લઈને સમગ્ર દેશમાં અગ્રસર : junagadh Gir Somnath
આમ જુનાગઢ ગીર સોમનાથ Junagadh Gir Somnath પોતાના પ્રાકૃતિક, ભોગોલિક, ધાર્મિક અને ઓદ્યોગિક સમૃદ્ધીને લઈને માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં અગ્રસર થવા મીટ માંડી રહ્યુ છે. “જય જય ગરવી ગુજરાત”.