
108 Ambulance : ૧૦૮ ઇમરજન્સી સેવા એ માત્ર એક એમ્બ્યુલન્સ નથી, પરંતુ આપત્તિના સમયે નાગરિકો માટે આશાનું કિરણ અને વિશ્વાસનો પર્યાય બની ગઈ છે. છેવાડાના ગામડાઓ સુધી આરોગ્ય વિષયક કટોકટીમાં સમયસર પહોંચતી આ સેવાના કર્મચારીઓએ તાજેતરમાં અમદાવાદ ખાતે દર્દીની સારવાર કરવાની સાથે પ્રમાણિકતા અને માનવતાનું એક એવું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે સાંભળીને દરેક નાગરિકનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જશે.
📍 અકસ્માતની કરુણ ઘટના અને ૧૦૮ નો તાત્કાલિક પ્રતિસાદ
108 Ambulance : પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૬:૨૧ કલાકે વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા માર્ગ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના આ ભયાનક બનાવમાં ભુપતભાઈ મનુભાઈ કાઠેરિયા નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ રસ્તા પર બેભાન અવસ્થામાં પડ્યા હતા.
ઘટના અંગે ૧૦૮ ઇમરજન્સી સેવામાં કૉલ મળતાં જ EMT નીલમ ચૌહાણ અને પાઇલટ જલદીપભાઈ પરમાર પોતાની એમ્બ્યુલન્સ લઈને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બેભાન અને એકલા રહેલા ભુપતભાઈને સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ, તેમને વધુ ગહન સારવાર અર્થે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
💰 સલામ પ્રમાણિકતાને! ₹2 લાખની કેશ અને કીમતી સામાન સહીસલામત સોંપ્યો
108 Ambulance : સારવાર દરમિયાન ૧૦૮ ની ટીમના ધ્યાને આવ્યું કે દર્દી એકલા છે અને તેમની પાસે રૂ. બે લાખ જેટલી માતબર રકમ તથા કીમતી વસ્તુઓ રહેલી છે. આ કપરા સમયે સેવા કર્મીઓએ પોતાની પવિત્ર ફરજ અને નૈતિકતા દાખવીને તમામ સામાનની રખેવાળી કરવાની જવાબદારી સ્વીકારી હતી.
ટીમે ત્વરિત દર્દીના સગાં-સંબંધીઓનો સંપર્ક કર્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના મિત્ર સંજયભાઈ આવી પહોંચતાં, ૧૦૮ ની ટીમે દર્દીનો એક મોબાઈલ ફોન, એક લંચ બોક્સ અને અંદાજે રૂ. બે લાખની રોકડ રકમ સહીસલામત રીતે તેમને સુપ્રત કરી હતી.
👏 હોસ્પિટલ સ્ટાફ અને સ્વજનોએ બિરદાવી ઉત્કૃષ્ટ સનિષ્ઠા
108 Ambulance : કટોકટીના સમયે ગંભીર દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડી નવજીવન આપવાની સાથે લાખો રૂપિયાની કીમતી અસ્કયામતો સુરક્ષિત પરત સોંપીને ૧૦૮ ની ટીમે નિષ્ઠા અને માનવતાનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. આ અદ્ભુત અને પ્રશંસનીય કામગીરી માટે સોલા સિવિલ હોસ્પિટલના સ્ટાફ તેમજ દર્દીના પરિવારજનોએ આ સેવાવીરોનો આભાર માની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આવા સનિષ્ઠ કર્મયોગીઓને સો સો સલામ!
Gujarat : મુશ્કેલીમાં મહિલાઓ ક્યાં જાય? ગુજરાતના ‘સખી’ કેન્દ્રમાં મળે છે આ મદદ

