
Gujarat : જો તમે પણ હાઈવે પર મુસાફરી કરતી વખતે ઢાબા કે રેસ્ટોરન્ટમાં ખાવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર ખાદ્ય સુરક્ષા મુદ્દે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. જનઆરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યમાં ‘ઓપરેશન હેલ્થ’ નામના એક વિશેષ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
🛑 Gujarat : ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત રાજ્યવ્યાપી મેગા ડ્રાઈવ
Gujarat : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ 19 નવેમ્બર, 2026થી સમગ્ર ગુજરાતમાં ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006’ હેઠળ ખાસ તપાસણી ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ તપાસણી હેઠળ નેશનલ હાઈવે અને રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી તમામ હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ઢાબાઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોની હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં પણ તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.
💻 FoSCoS પોર્ટલથી ઓનલાઈન ચેકિંગ અને સ્વચ્છતાના કડક નિયમો
Gujarat : આ તપાસ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રહે તે માટે તમામ ફૂડ સેફ્ટી ઓફિસર્સ ઓનલાઈન ઈન્સ્પેક્શન FoSCoS (Food Safety Compliance System) પોર્ટલના માધ્યમથી કરશે. તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસર્સની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.
સરકારે રસોડામાં કામ કરતા કર્મચારીઓ માટે પણ સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. ખાદ્ય એકમોના તમામ રસોઈયા અને કર્મચારીઓએ ફરજિયાતપણે કેપ, એપ્રોન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવાના રહેશે તેમજ પરિસરમાં ઉચ્ચ સ્તરની સ્વચ્છતા જાળવવી પડશે.
🔬 ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ અને લાયસન્સ રદ કરવાની ચેતવણી
Gujarat : આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં નહીં આવે. તપાસ દરમિયાન જો કોઈ ખાદ્યસામગ્રી શંકાસ્પદ જણાશે તો સ્થળ પર જ સેમ્પલ લેવામાં આવશે. આ માટે ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાહનો દ્વારા સ્થળ પર જ ખાદ્ય ચીજોનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
ફૂડ સેફ્ટી એક્ટના ‘શિડ્યુલ-4’ ના નિયમોનો ભંગ કરનારા એકમો સામે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે. ગંભીર બેદરકારી જણાશે તો એકમોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે અથવા કાયમી ધોરણે રદ કરવા સુધીની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
📢 વેપારીઓને સ્વયંભૂ નિયમ પાલન કરવા અપીલ
Gujarat : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોને અપીલ કરી છે કે તેઓ ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક પીરસે. તમામ વેપારીઓએ કાયદાઓ અને સ્વચ્છતાના નિયમોનું સ્વયંભૂ પાલન કરવું અનિવાર્ય છે જેથી ગ્રાહકો તથા મુસાફરોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
Girnar Lili Parikrama : લીલી પરિક્રમા માટે શું છે આ વખતે ખાસ વ્યવસ્થા?

