વડોદરા : ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ સૂત્ર છાણી પોલીસે સાર્થક કર્યું, રિક્ષામાં ભુલાયેલા ₹60,000 ગણતરીના કલાકોમાં યુવકને પરત અપાવ્યા
વડોદરા : ‘શહેરમાં અવારનવાર મુસાફરો પોતાની કિંમતી વસ્તુઓ રિક્ષા કે બસમાં ભૂલી જતા હોય છે, પરંતુ વડોદરાની છાણી પોલીસે ગણતરીના કલાકોમાં એક યુવકની મહેનતની કમાણી શોધી આપીને પોલીસની સજાગતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વડોદરા : શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોરખલા ગામના રહેવાસી 19 વર્ષીય કાર્તિકભાઈ નરેશભાઈ બારીયા તેમના નાના ભાઈ સાથે અડાશ-વાસદથી વડોદરા આવી રહ્યા હતા. તેઓ 6 માર્ચ, 2026ના રોજ સવારના આશરે 11:30 વાગ્યે છાણી ખાતે GSFC બ્રિજ પાસે રિક્ષામાંથી ઉતર્યા હતા. ઉતરતી વખતે ઉતાવળમાં તેઓ પોતાની પીળા કલરની કાપડની થેલી રિક્ષામાં જ ભૂલી ગયા હતા. આ થેલીમાં બે સાડીઓ અને ₹60,000ની રોકડ રકમ હતી.

પોલીસ સ્ટેશન પહોંચતા જ એક્શન શરૂ
પૈસા ભરેલી થેલી રિક્ષામાં રહી ગઈ હોવાની જાણ થતાં જ કાર્તિકભાઈ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક છાણી પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. ત્યાં તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પ્રજાપતિને સમગ્ર હકીકત જણાવી.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડો. લીના પાટીલની સૂચના મુજબ ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તેવી ભાવના સાથે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.

CCTV અને ટેકનોલોજીની મદદથી રિક્ષા ટ્રેસ કરી
છાણી પોલીસની ટીમે સમય ગુમાવ્યા વગર અલગ-અલગ જગ્યાના CCTV કેમેરા ચેક કર્યા અને પોલીસ દ્વારા બનાવવામાં આવેલા વોટ્સએપ ગ્રુપમાં પણ આ અંગે મેસેજ ફરતા કર્યા. સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર (GJ-06-AY-3007) મળી આવ્યો હતો. આ રિક્ષા વાસદના નિલેશભાઈ રમણભાઈ પારેખની હોવાનું ખૂલ્યું હતું.

માત્ર ગણતરીના કલાકોમાં ખુશીનો અહેસાસ
પોલીસે રિક્ષા ચાલકનો સંપર્ક કરી તપાસ કરતા રિક્ષામાંથી ₹60,000 રોકડા અને સાડીઓ ભરેલી થેલી સલામત મળી આવી હતી. પોલીસે આ તમામ મુદ્દામાલ તેના અસલી માલિક કાર્તિકભાઈને પરત સોંપ્યો હતો. પોતાની મહેનતની કમાણી સુરક્ષિત પાછી મળતા યુવકે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

આ સફળ કામગીરીમાં છાણી પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એલ. પ્રજાપતિ, હેડ કોન્સ્ટેબલ આશિષકુમાર શરદભાઈ અને લોકરક્ષક હર્ષિતકુમાર અંબારામે મહત્વની ભૂમિકા ભજવી હતી. છાણી પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

ક્રાઈમ બ્રાન્ચ : જમાલપુર બ્રિજ નીચેથી ‘રીક્ષા ગેંગ’ના ત્રણ સાગરીતો ઝડપાયા
ધ્રૃજાવી દેતુ સત્ય – બંગાળ ફાઈલ્સ | Bengal Files | Vimarsh |
