
🚨 Gujarat : ગુજરાતમાં નશાના કારોબાર પર મોટો પ્રહાર: બ્રાન્ડેડ કફ સિરપના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ
Gujarat : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે રાજ્યમાં કફ સિરપના નામે ચાલતા નશાના ગેરકાયદેસર નેટવર્ક સામે અત્યાર સુધીની સૌથી મોટી લાલ આંખ કરી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ આખા રાજ્યમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ વિશેષ ઝુંબેશ (Special Drive) માં નશા માટે વપરાતી કોડીનયુક્ત દવાઓનું ગેરકાયદે વેચાણ, સંગ્રહ અને કાળાબજાર કરતી ફાર્મા પેઢીઓ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. આ સરપ્રાઈઝ ચેકિંગથી સમગ્ર ગુજરાતના દવા બજાર અને હોલસેલ વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
📦 Gujarat : બાલાજી ફાર્મામાંથી ₹83 લાખથી વધુ કિંમતની શંકાસ્પદ સિરપ જપ્ત
Gujarat : આ રાજ્યવ્યાપી દરોડા દરમિયાન સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત બાલાજી ફાર્મા પર કરવામાં આવી છે. તપાસ દરમિયાન સરકારી અધિકારીઓએ પેઢીના હાજર સ્ટોકમાંથી કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrup ની અધધ ૩૭,૭૬૨ બોટલો શોધી કાઢી હતી. બજાર કિંમત (રૂ. ૨૨૦/- પ્રતિ બોટલ) મુજબ આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા ૮૩,૦૭,૬૪૦/- જેટલી થાય છે. આ પેઢીના ખરીદ-વેચાણના હિસાબો તપાસતા એવું પણ બહાર આવ્યું છે કે આ સંસ્થા માત્ર કોડીનવાળી દવાઓનો જ મોટો વેપાર કરતી હતી. હાલ આ સમગ્ર જથ્થાને સીલ કરી તેના વેચાણ પર સખત પ્રતિબંધ લગાવાયો છે અને સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા છે.
🚫 નિયમો નેવે મૂકનારી ૭ પેઢીઓને નોટિસ, કલોલની ફાર્માનો પરવાનો કાયમી રદ
Gujarat : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે સરકાર આ ગંભીર બાબતે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ કામ કરી રહી છે. કલોલ સ્થિત હેલ્થ પોઇન્ટ ફાર્મા દ્વારા ગંભીર બેદરકારી બદલ સંતોષકારક ખુલાસો ન અપાતા તંત્રએ તેનો દવાનો પરવાનો કાયમી ધોરણે રદ કરી દીધો છે.
આ સિવાય અમદાવાદ ગ્રામ્યની ફાર્માલિન લાઇફસાયન્સિસ (ચાંગોદર) અને રેઇન રેમેડીઝ (સાંતેજ) ના ખરીદ-વેચાણ બિલમાં ભારે ક્ષતિઓ પકડાતા કારણદર્શક નોટિસો ફટકારાઈ છે. મહેસાણાના વિસનગરમાં આવેલી કેપિટલ ફાર્મા, અમદાવાદ-૧ ની HRDM ગ્લોબલ સોલ્યુશન્સ અને કૃષ્ણા ફાર્મા (કઠવાડા) સામે પણ કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદની જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સમાંથી પણ રૂ. ૧૫૮ ની એમ.આર.પી. ધરાવતી R Tuss TD Syrup ની ૫૭ બોટલો (અંદાજિત કિંમત રૂ. ૯,૦૦૬/-) જપ્ત કરાઈ છે. આ તમામ ૭ પેઢીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.
🏥 જનતાના સ્વાસ્થ્યની રક્ષા માટે દેખરેખ અને તપાસ સતત ચાલુ રહેશે
Gujarat : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ જનતાના સ્વાસ્થ્યના હિતમાં આવી કેફી અસરો વાળી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા હોલસેલર્સ અને રીટેલર્સના બીલ તેમજ રજીસ્ટરની ચકાસણીની ઝુંબેશ આવનારા દિવસોમાં પણ સમગ્ર રાજ્યભરમાં સતત ચાલુ રાખવામાં આવશે.

₹35,000 કરોડનો વિકાસ, 326 કિમી WDFC અને યુવાનો સાથે સંવાદ; વડોદરામાં PM મોદીનો મેગા દિવસ
